ગુજરાતપાટણ

સિધ્ધપુરના ગામ ધણી શ્રી ગોવિંદ રાયજી માધવરાયજી ભગવાન :આસ્થા ઇતિહાસ અને પરંપરા નું અનોખું તીર્થધામ આખા ભારતમાં એકમાત્ર ચાંદીના રથમાં નીકળતી રથયાત્રા સિદ્ધપુરની વિશિષ્ટ ઓળખ231 વર્ષ જૂના મંદિરમાં વર્ષભર ધાર્મિક ઉત્સવોની ધામધૂમ

સિદ્ધપુર : ઉત્તર ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક નગરી સિદ્ધપુર માત્ર માતૃગયા તીર્થ કે બિંદુ સરોવર માટે જ નહીં, પરંતુ શહેરના ઇષ્ટદેવ અને 'ગામધણી' તરીકે પૂજાતા શ્રી ગોવિંદરાયજી–શ્રી માધવરાયજી ભગવાનના અતિપ્રાચીન મંદિર માટે પણ સમગ્ર ગુજરાતમાં વિશેષ સ્થાન ધરાવે છે. શહેરના મંડી બજાર ચોકમાં આવેલું આશરે 231 વર્ષ જૂનું આ ભવ્ય મંદિર આજે લાખો શ્રદ્ધાળુઓની અડગ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિરના ઇતિહાસ અનુસાર શ્રી માધવરાયજીની મૂર્તિ ખેડૂતના કપાસના ગાડામાંથી પ્રાપ્ત થઈ હતી, જ્યારે શ્રી ગોવિંદરાયજીની મૂર્તિ બિંદુ સરોવર પાછળના જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. ત્યારબાદ ત્રિવેદી પરિવારે બંને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરીને મંદિરની સ્થાપના કરી હતી. ઇતિહાસકારોના મતે મૂર્તિઓ પ્રાચીન સમયની હોવાનું માનવામાં આવે છે. હાલ મંદિરનો વહીવટ નોંધાયેલ ટ્રસ્ટ તરીકે કાર્યરત શ્રી ગોવિંદમાધવ મંદિર કમિટી દ્વારા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અન્નકૂટ, જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, ધૂળેટી, પાટોત્સવ અને અષાઢ સુદ બીજની રથયાત્રા સહિત અનેક ધાર્મિક ઉત્સવો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ મંદિરની સૌથી વિશેષ ઓળખ તેની રથયાત્રા છે. આશરે 231 વર્ષથી લાકડાના રથમાં ભગવાનની રથયાત્રા નીકળે છે, જ્યારે છેલ્લા 83 વર્ષથી ચાંદીના કલાત્મક રથમાં ભગવાન નગર પરિક્રમા કરે છે. આખા ભારતની અંદર ચાંદીના રથમાં નીકળતી આ પ્રકારની રથયાત્રા માત્ર સિદ્ધપુરમાં યોજાતી હોવાનો ગૌરવ મંદિર ધરાવે છે. સંવત 2000 દરમિયાન શેઠ ગોરધનદાસ મગનલાલ (હેરુશેઠ) દ્વારા ભેટ સ્વરૂપે અર્પણ કરાયેલા આ ભવ્ય રથમાં અંદાજે 60 કિલોગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના યુવકો અને બાળકો પિતાંબર ધારણ કરીને સંપૂર્ણ પવિત્રતા સાથે ભગવાનનો રથ ખેંચે છે. શહેરના આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, ભજન મંડળીઓ, મહિલા મંડળો તથા હજારો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કરે છે. રથયાત્રા મંદિરેથી પ્રસ્થાન કરીને સમગ્ર શહેરમાં પરિક્રમા કરે છે અને અંતે સરસ્વતી નદીના કિનારે માધુ પાવડીએ પહોંચે છે. અહીં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનની પાદુકાનું પૂજન, આરતી અને વિશેષ ધાર્મિક વિધિઓ સંપન્ન થાય છે. ત્યારબાદ ભગવાનનો રથ પુનઃ મંદિર પરત ફરે છે, જ્યાં પોંખવાની વિધિ અને મહાઆરતી યોજાય છે. સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર ભવ્ય સ્વાગત, છાશ, શરબત અને ઠંડા પાણીની સેવા કરવામાં આવે છે. ધૂળેટીના પર્વે પણ ભગવાનની ચાંદીની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જે સિદ્ધનાથ મહાદેવ મંદિર સુધી પહોંચે છે. અહીં હરિ અને હરના અલૌકિક મિલનનું દર્શન હજારો ભક્તો માટે અનોખો આધ્યાત્મિક અનુભવ બને છે. ઉપરાંત મહાસુદ તેરસે ભગવાનના પાટોત્સવ નિમિત્તે ષોડશોપચાર પૂજન, અભિષેક, રાજભોગ, 101 દીવાની આરતી, મંત્રજાગરણ, ભજન, સત્સંગ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાય છે. ઈ.સ. 2010માં મંદિર તેમજ ભગવાનની અતિપ્રાચીન મૂર્તિઓનો વૈદિક પરંપરા મુજબ આયુર્વેદિક પદ્ધતિથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં અંદાજે રૂ. 18થી 20 લાખનો ખર્ચ થયો હતો. મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે મહાવિષ્ણુયાગ અને સહસ્ત્રકળશ જળાભિષેક જેવા વિશાળ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સિદ્ધપુરને માતૃગયા તીર્થ, બિંદુ સરોવર, સરસ્વતી નદી, રુદ્રમહાલય, સિદ્ધનાથ મહાદેવ સહિત અનેક પ્રાચીન ધાર્મિક સ્થળોનું પવિત્ર ધામ માનવામાં આવે છે. શહેરના દરેક સમાજના લોકો ઉપરાંત ગુજરાત અને દેશભરના હજારો ભક્તો પોતાના કુળદેવતા તરીકે શ્રી ગોવિંદરાયજી–શ્રી માધવરાયજી ભગવાનમાં અડગ શ્રદ્ધા ધરાવે છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે 'ગામધણી' ભગવાન શહેર અને નાગરિકોની રક્ષા કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બનેલું શ્રી ગોવિંદરાયજી–શ્રી માધવરાયજી ભગવાનનું મંદિર આજે પણ સિદ્ધપુરની ઓળખને સમગ્ર દેશમાં ગૌરવ અપાવી રહ્યું છે. અહેવાલ : ધ્રુવ દવે સિદ્ધપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!