ગુજરાતપાટણ

પાટણ . સિદ્ધપુરમાં શોપિંગ સેન્ટર કોમ્પલેક્ષ મુદ્દે ફરી વિવાદ. વિરોધ છતાં કોના ઇશારે બન્યું કોમ્પલેક્ષ ભ્રષ્ટાચાર ના આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી

સિદ્ધપુર નગરપાલિકાના શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ અને બગીચા વિકાસના કામોને લઈને ફરી એકવાર રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પૂર્વ નગરસેવક અને જિલ્લા ભાજપ આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ ભાટવાડા વિસ્તારમાં બરોડા બેંક સામે આવેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ તેમજ પસ વાદળની પોલ ખાતે સિકોતર માતાના મંદિર નજીક અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલ બગીચાના કામોને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે. આ બંને પ્રોજેક્ટ છેલ્લા સાતથી દસ વર્ષ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સના નિર્માણ સમયે તે વખતના બાંધકામ સમિતિના ચેરમેન કપિલભાઈ પાધ્યાએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં વિરોધને અવગણીને આખરે કોમ્પ્લેક્સનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેના કારણે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જ્યારે બાંધકામ સમિતિના જવાબદાર પદાધિકારી જ આ પ્રોજેક્ટ સામે હતા, ત્યારે આખરે કોના સૂચન, દબાણ અથવા નિર્ણયથી કામને મંજૂરી મળી અને આગળ ધપાવવામાં આવ્યું? પૂર્વ નગરસેવક ધર્મેન્દ્રભાઈ ભટ્ટે પોતાની રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે સમગ્ર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. તેમણે માંગ કરી છે કે બગીચા અને શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સના કામોની ટેકનિકલ, વહીવટી તેમજ નાણાકીય તપાસ કરવામાં આવે અને પ્રોજેક્ટની મંજૂરીથી લઈને અમલીકરણ સુધીની તમામ ફાઈલો જાહેર કરવામાં આવે. શહેરમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જો બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તો પછી કોમ્પ્લેક્સના નિર્માણ પાછળ કયા પ્રભાવી તત્વો કાર્યરત હતા અને આખરે નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો હતો. તે સમયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં લાવવાની માંગ ઉઠી રહી છે. મામલાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે તા. 22 જૂને પૂર્વ નગરસેવક તથા જિલ્લા ભાજપ આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટે ફરી એકવાર ચીફ ઓફિસરને લેખિત અરજી આપી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપોની સત્યતા બહાર લાવવાની માંગ કરી છે. શહેરમાં હવે ચર્ચા એ છે કે જો સમગ્ર પ્રક્રિયા નિયમસર અને પારદર્શક રીતે થઈ હોય તો વિરોધ છતાં કામ કેમ થયું? અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો તેની જવાબદારી કોની નક્કી થશે? નગરપાલિકા તંત્ર દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં લઈને કોઈ સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે. સ્થાનિક નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે જનતાના નાણાંથી થયેલા આ વિકાસકાર્યો અંગેની હકીકત જાહેર કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટ. ધ્રુવ દવે સિદ્ધપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!